નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈને લોકશાહી પ્રક્રિયાનો જીવંત અને પ્રેરણાદાયી અનુભવ કર્યો હતો. ટંકારા–પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના સહયોગથી આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. નવયુગ કોલેજ દ્વારા આયોજન કરાયેલ આ શૈક્ષણિક પ્રવાસ હેઠળ વિદ્યાર્થીઓએ વિધાનસભામાં ચાલી રહેલી પ્રશ્નોત્તરી, ચર્ચા અને નીતિ નિર્માણની સમગ્ર પ્રક્રિયા નજીકથી નિહાળી રાજ્યવ્યવસ્થાની કાર્યપદ્ધતિની ઊંડી સમજ મેળવી હતી. પાઠ્યપુસ્તકની બહાર આવી લોકશાહી કેવી રીતે કાર્ય કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ વિદ્યાર્થીઓને મળ્યો હાતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહિલા અને બાળ વિકાસ મંત્રી દર્શના વાઘેલા, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતતા મંત્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનીષા વકીલ તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વિદ્યાર્થીઓ સાથે મળ્યા અને ફોટો સેશન કરાવ્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ બની રહ્યો છે. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ આવી મુલાકાતો યુવાનોને જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ હોવાની વાત કરી હતી. અંતમાં, કોલેજના પ્રિન્સિપાલ નિલેશ મિરાણી અને વહીવટી અધિકારી પ્રકાશ ગૂગડિયા દ્વારા સમગ્ર આયોજન, માર્ગદર્શન અને સંકલન સફળતાપૂર્વક કરવામાં આવતા કાર્યક્રમ યાદગાર બની રહ્યો છે.









