મોરબી તાલુકામાં વ્યાજખોરો બેફામ બન્યા અંગે વધુ એક ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ધરમપુર ગામના વતની અને હાલ મોરબી શહેરમાં રહેતા આધેડે બે વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણી, ગાળો અને ધમકી આપવા અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ ધરમપુર ગામના વતની અને હાલ મોરબી શહેરના ન્યુ ચંદ્રેશનગર શેરી નં-૦૫માં રહેતા અરવિંદભાઈ દેવશીભાઈ માકાસણા ઉવ.૪૮ને હોસ્પીટલના કામ માટે રૂપિયાની તાત્કાલિક જરૂર હોય, જેથી તેઓએ આરોપી મનીષભાઈ બાલુભાઈ સુરાણી રહે. ધરમપુર વાળા પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂ. ૩૦,૦૦૦/- લીધેલા. સમયગાળા દરમિયાન મુદલ અને વ્યાજ એમ કુલ રૂ. ૩,૦૦,૦૦૦/- ચુકવી દીધા હતા. તે જ રીતે અન્ય આરોપી આનંદભાઈ કિશોરભાઈ ધ્રાગા રહે. નાગડાવાસ વાળા પાસેથી ૧૦ ટકા લેખે રૂ. ૨,૦૦,૦૦૦/- લીધેલા, જેના મુદલ તથા વ્યાજ મળીને રૂ. ૪,૦૦,૦૦૦/- ચુકવી આપ્યા હતા. છતાં પણ બંને આરોપીઓ ફરીયાદીને વારંવાર ફોન કરીને તથા રૂબરૂ આવી વધુ રૂપિયા ઉઘરાવવા પઠાણી ઉઘરાણી, ગાળો અને ધમકીઓ આપતા હોય ત્યારે હાલ ભોગ બનનાર અરવિંદભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બન્ને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મનીલેન્ડર્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે









