મોરબી શહેરના વોર્ડ નં. ૬ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટર જેવી દુર્ગંધ આવતી હોવાના ગંભીર મુદ્દે સ્થાનિક રહીશો અને સામાજિક આગેવાનો દ્વારા તંત્ર સામે કડક રજુઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા ઘણા સમયથી મોરબીના વોર્ડ નં. 6ના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીમાં ભારે દુર્ગંધ આવતી હોવાથી રહીશોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. આ દુષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા ઉભી થઈ છે અને ખાસ કરીને નાના બાળકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. આ મામલે સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવાડીયા સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે, અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ દુષિત પાણીના કારણે કોઈ નાગરિકના આરોગ્યને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. સ્થાનિકોએ તાત્કાલિક પાણી અને ગટરની લાઈનોની તપાસ કરીને જરૂરી રિપેરિંગ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી છે. સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.









