ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજયમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેથી. પ્રચાર ઝુંબેશ અનુસંધાને ઉમેદવારો તેમના કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચાર માટે મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યકિત, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તથા ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યકિત, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યકિત દ્વારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત લોકસભા મતદાર વિભાગ કે સમગ્ર મોરબી જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સંબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવાના રહેશે. રજીસ્ટર્ડ કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન લોકસભા મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે અને વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે કે તેઓએ અધિકૃત કરેલ અધિકારીશ્રી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં.
આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય કોઈપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, સ્ટેશન વેગન, ટેકસી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, સ્કુટર વિગેરેનો સમાવેશ થાય છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. આ જાહેરનામું તા.૦૮/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.