રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા ઝૂંબેશ હાથ ધરવા માટેની રાજયભરમાં જિલ્લા પોલીસવડાઓને સૂચના આપતા લોક દરબાર શરૂ થયા છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળી ગામે પણ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ તંત્ર ખરા અર્થમાં પ્રજાના મિત્ર બની તેમની ફરિયાદી સાંભળી હતી.
લોકદરબારમાં ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરોના ત્રાસમાંથી મોરબી જિલ્લાના લોકોને મુક્ત કરવા માટે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા પણ ખાનગી રાહે આવી માહિતીઓ મેળવી તેમજ ગામડાઓમાં ગ્રામ સભા , લોક દરબાર યોજી લોકોની રજૂઆતો સાંભળી કાયદેસર કાર્યવાહી કરવા ઝુંબેશ ચલાવી છે.