એડવોકેટ સંજય મહેતાના પુત્ર નિર્ભય મહેતાની પ્રમાણિકતા અન્યો માટે પ્રેરક
રાજકોટ : હળવદના યુવાનનું રાજકોટમાં ખોવાયેલું રોકડ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ પરત કરીને નિર્ભય મહેતાએ “પ્રમાણિકતા હજુ મરી પરવારી નથી” તે કહેવત સાબિત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજના મોંઘવારીના યુગમાં કોઈને પૈસા ભરેલું પાકીટ મળે તો મૂળ માલિકને પરતા કરે તેવા જુજ નિષ્ઠાવાન લોકો જોવા મળે છે. ત્યારે રાજકોટના જાણીતા એડવોકેટ સંજયભાઈ મહેતાના સુપુત્ર નિર્ભયે પોતાની પ્રમાણિકતા બતાવીને જે સત્કર્મ કર્યું તેનો આજે સૌએ ઘડો લેવો જ રહ્યો.
બન્યું એવું કે હળવદના રહીશ દેવ વિજયભાઈ કવૈયા રાજકોટ ખાતે લગ્નપ્રસંગમાં આવ્યા હતા. પ્રસંગ ઉજવણીના આનંદમાં તેઓનું પાંચ હજારથી વધુની રોકડ,આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બેંકોના એ.ટી.એમ કાર્ડ,સહિતના અગત્યના કાગળો સાથેનું પાકીટ રસ્તામાં પડી ગયુ હતું.
દરમિયાન વાવડીના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઇ રહેલા નિર્ભય સંજયભાઈ મહેતાને આ પાકીટ મળતા તેમને પાકીટમાં તપાસ કરતા પાકીટના માલિકના અગત્યના ડોક્યુમેન્ટ્સ જોવા મળ્યા હતા. આ તકે પાકીટમાના પૈસા બાબતે કોઈ પણ લોભનો વિચાર મનમાં લાવ્યા વગર નિર્ભયે પાકીટના મૂળ માલિક દેવભાઈ સુધી પહોંચવાની જહેમત ઉઠાવતા પાકીટના માલિકનો ભેટો થઇ ગયો હતો. દરમિયાન પાકીટમાં રહેલા અગત્યના ડોક્યુમેન્ટસનાં આધારે ખરાઈ કરતા આ પાકીટ દેવ કવૈયાનું જ હોવાનું સાબિત થઇ ગયું હતું. પ્રસ્તુત તસ્વીરમાં સી.એ.નો અભ્યાસ કરતા નિર્ભય સંજયભાઈ મહેતા(બ્લુ જીન્સ) મૂળ વ્યક્તિને પાકીટ પરત સોંપી ને પ્રામાણિકતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડતા દેખાય છે.