મોરબી જિલ્લાના વાંકાનેર પાસેનો મચ્છુ- ૧ ડેમ ૯૫ ટકા ભરાઈ જતા ૨૪ ગામોને હાઈએલર્ટ કરાયા છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ ૧ ડેમમાં નવાનીર આવ્યા છે. અને હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. ત્યારે સિંચાઇ વિભાગના અધિકારીઓએ ડેમમાં નવા નીરના વધામણા કર્યા હતા.
મોરબીના વાંકાનેર નજીક આવેલ મચ્છુ ૧ ડેમ ભરપૂર સપાટીએ પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ૪૯ ફૂટની ઊંચાઈ ધરાવતો મચ્છુ ૧ ડેમ ૯૫% ભરાયો છે. અને આજે રાત્રિથી વેહલી સવાર સુધીમાં ડેમ ઓવરફલો થવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. જેના પગલે આજે યાંત્રિક વિભાગ,અમદાવાદના કાર્યપાલક ઈજનેર શૈલેષ ધાનાણી, મચ્છુ ૨ સિંચાઇ પેટા વિભાગ, મોરબીનાં નાયબ કાર્યપાલક ઈજનેર વી.એસ. ભોરણિયા તથા સેક્શન અધિકારી, મચ્છુ ૨ સિંચાઇ યોજના બી.સી પનારા સહિતના અધિકારીઓએ ડેમમાં નવા નીરના વધામણા કર્યા હતા. તેમજ મચ્છુ ૧ ડેમમાં પાણીની આવક વધતા વાંકાનેર તાલુકાના ૨૦ અને મોરબી તાલુકાના ૪ ગામો હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વધાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા અને ધમલપર તો મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામોના લોકોને નદીના પટમાં ન જવા અગાઉથી જ સુચના આપવામાં આવી છે.