મોરબી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સવારથી સાંજ સુધી વરસાદી માહોલમાં જીલ્લાના ચાર તાલુકામાં અડધાથી લઈને સવા ઇંચ સુધી વરસાદ પડી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં સતત વરસાદને પગલે અને ઉપરવાસની આવકને કારણ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તેવામાં વાંકાનેરની જીવા દોરી સમાન મચ્છુ-૦૧ ડેમ ઓવરફ્લો થયો છે.
મોરબીનો મહાકાય મચ્છુ ૦૧ ડેમ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અને ડેમમાં આવેલ નવા નીરની આવકનાં પગલે ૧૦૦ ટકા ભરાયો છે. જેને પગલે વાકાનેર તાલુકાના ૨૦ ગામો અને મોરબી તાલુકા ૦૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં વાંકાનેર તાલુકાનાં વાકાનેર શહેર, હોલમઢ,જાલસિકા, મહિકા, કોઠી,ગારિયા,જોધપર,પાજ,રસિકગઢ,લુનસરિયા, કેરાળા, હસનપર, પંચાસર,વઘાસિયા, વાંકિયા,રાતી દેવડી, પંચાસિયા, ઢુંવા, ધમલપર અને મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધિરગઢ અને લીલા પર સહિતના ગામોનાં લોકોને નદીના પટમાં ન જવા અને નીચાણ વાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.