મોરબીમાં પ્રૌઢ ખેડૂત સાથે હની ટ્રેપ કરવાના કેસમાં અગાઉ છ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે હવે વધુ એક આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગતો મુજબ મોરબીમાં રહેતા પ્રૌઢ પોતાની વાડી માટે શ્રમિકની શોધમાં હતા. જે દરમિયાન પાંચાભાઈ નામના આરોપીએ શ્રમિકની વ્યવસ્થા કરાવવાની વાત કરી એક મહિલા શ્રમિક શોધી આપવાની ખાતરી આપી હતી. બાદમાં કથિત મહિલા શ્રમિક તરીકે ખુશી નામની યુવતી પ્રૌઢની વાડી ખાતે પહોંચી હતી. વાડી પર પહોંચ્યા બાદ ખુશી નામની મહિલાએ નિર્વસ્ત્ર થઈ પ્રૌઢને બાથ ભીડી લીધી હતી.ત્યાર બાદ પૂર્વ આયોજન મુજબ અન્ય આરોપીઓ ત્યાં પહોંચી ગયા હતા.જેમણે પ્રૌઢને ડરાવી ધમકાવી સોનાના બિસ્કિટ અને રોકડ મળી કુલ રૂ. ૫૩ લાખ પડાવી લીધા હતા.જે અંગે આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જેમાંથી છ આરોપીઓ હાલ જેલહવાલે છે ત્યારે આ કેસમાં પોલીસે પીનટી ઉર્ફે ખુશી વસાવા (ઉંમર ૨૩ વર્ષ, રહે. ગોંડલ)ની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બે કાર પણ કબ્જે કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ મહિલા સામે અગાઉ વર્ષ ૨૦૨૪માં જસદણ પોલીસ સ્ટેશનમાં પણ હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જે દરમિયાન હનીટ્રેપ ગેંગના અન્ય ગુનાઓ પણ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









