બાકી વીજ બીલની ઉઘરાણી સબબ વીજ કનેક્શન કાપવા બાબતે વીજ-કર્મચારી સાથે ઝપાઝપી કરી પોલીસકર્મીને ઢીકાપાટુનો માર
મોરબી જીલ્લામાં વધુ એકવાર વીજ કર્મચારી ટીમ ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે, આ સાથે હળવદ, બરવાળા બાદ મકનસર ગામ ખાતે બાકી બીલની ઉઘરાણી સબબ વીજ કનેક્શન કાપવા બાબતે પીજીવીસીએલના જુનિયર ઈજનેર અને સાથેના પોલીસ જવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો છે, સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. ત્યારે સમગ્ર બનાવ બાબતે તાલુકા પોલીસમાં વીજ કર્મચારીની ફરિયાદને આધારે ત્રણ આરોપીઓ સામે ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધી આરોપીઓની અટક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ શિવ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતા મૂળ સુરત શહેરના વતની મિતભાઈ પ્રવીણભાઈ પટેલ હાલ પીજીવીસીએલ કચેરી લાલપર સબ ડિવિઝનમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા હોય તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલા, આશીષભાઈ અશોકભાઈ સારલા તથા આરોપી પિન્ટુભાઈ બહાદુરભાઈ સારલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલે તા.૨૮/૦૧ના રોજ બાકી વીજ બીલની ઉઘરાણી તથા બાકી રહેલા બિલ ભરતા ન હોય તેવા ગ્રહકોનું વીજ કનેક્શન કાપવા સહિતની ડ્રાઈવ અંતર્ગત પોલીસ કર્મચારી દશરથસિંહ દિલુભા સહિત મિતભાઈ પીજીવીસીએલ ટીમ સાથે મકનસર ગામે ગયા હોય ત્યારે ઉપરોક્ત આરોપી વીજ બીલ ભરતા ન હોય જેથી ફરીયાદી મિતભાઈ તેમજ સાહેદ પોલીસ કોન્સ. દશરથસિંહ સાથે આરોપી અશોકભાઈના ઘરે વીજ બીલના બાકી રકમની ઉધરાણી કરવા જતા આરોપીને સારૂ નહી લાગતા તેઓએ જેમ ફાવે તેમ બન્ને સરકારી કર્મચારીઓને અપશબ્દો આપી બન્ને સાથે જપાજપી કરી પોલીસકર્મીને ઢીકાપાટુનો માર મારવા લાગેલ તથા આરોપી આશિષે વીજ કર્મચારી સાથે ઝપાઝપી કરી, ઘરમાં પડેલ લોખંડનુ ધારીયુ લઈ મારવા જતા આજુબાજુના માણસો ભેગા થતા આરોપીને પકડી ધારીયુ લઇ લીધેલ જેથી માર મારેલ નહી તથા આરોપી પિન્ટુભાઈએ મિતભાઈ તથા દશરથસિંહ સાથે જપાજપી કરી આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. હાલ વીજ કર્મચારીની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ સામે જાહેર સેવકની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.