હિન્દુ સંસ્કૃતિમાં દાનનું ખૂબ જ મોટું મહત્વ છે અને દાનના પર્વ એટલે મકરસંક્રાંતિના દિવસે લોકો દાન કરતા હોય છે ત્યારે મોરબી પત્રકાર એસોસિએશનના તમામ હોદ્દેદારો અને સભ્યો દ્વારા દાનના પર્વની વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે પત્રકાર એસોસિએશનના તમામ સભ્યો પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ શ્રમદાન કરીને તેમજ આર્થિક સહયોગ આપીને મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી હતી અને મોરબીમાં માત્ર ગૌશાળા નહીં પરંતુ સહ પરિવાર હરવા ફરવા લાયક ગૌ ધામ કહી શકાય તેવી યદુનંદન ગૌશાળા ખાતે લોકોએ એક વખત મુલાકાત લેવી જરૂરી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.
ગૌશાળા તો વર્તમાન સમયમાં ગામે ગામ ધમધમે રહી છે તેની સાથોસાથ પાંજરાપોળ પણ જુદા જુદા વિસ્તારોમાં આવેલી છે ત્યારે મકરસંક્રાંતિના પર્વે લોકો ગૌ સેવાની ભાવના સાથે ગૌશાળા અને પાંજરાપોળમાં છુટા હાથે દાન આપતા હોય છે અને એક દિવસ દરમિયાન મળતા દાન થકી ગૌશાળા અને પાંજરાપોળનો નિભાવ થતો હોય છે તે નિર્વિવાદિત વાત છે તેની સાથોસાથ જો મોરબીની વાત કરીએ તો મોરબીના ભામાશાઓ તરફથી મોરબીની ગૌશાળા અને પાંજરાપોળને અબોલ જીવના નિર્વાહ માટે પૂરતા પ્રમાણમાં આર્થિક દાન આપવામાં આવતું હોય છે જોકે મકરસંક્રાંતિના પર્વની વિશેષ ઉજવણી કરવાનું આ વખતે મોરબી પત્રકાર એસોસિયેશનના હોદ્દેદારો અને સભ્ય દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે મોરબી પત્રકાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્ય પહોંચ્યા હતા અને ત્યાં ગૌસેવાના ભાવ સાથે શ્રમદાન કર્યું હતું અને તેની સાથો સાથ હાજર રહેલા તમામ પત્રકાર મિત્રોએ ગૌશાળા માટે આર્થિક યોગદાન પણ આપ્યું હતું
મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ હરનીશભાઈ જોશી, સહમંત્રી ઋષિભાઈ મહેતા, પ્રવીણભાઈ વ્યાસ, સુરેશભાઈ ગોસ્વામી, જીગ્નેશભાઈ ભટ્ટ, સંદીપભાઈ વ્યાસ, ભાસ્કરભાઇ જોશી અને પંકજભાઇ સનારીયા સહિતના પત્રકાર મિત્રો આ શ્રમદાનના કાર્યક્રમમાં જોડાયા હતા અને અબોલ ગૌવંશોને આપવામાં આવતા લીલા ઘાસચારાના કટીંગની જવાબદારી તેઓએ આજે સંભાળી હતી અને ગૌ સેવાના કાર્ય માટે ઉત્તમ નહીં પરંતુ અતિ ઉત્તમ કામ કરનારા યદુનંદન ગૌશાળાના કાનજીભાઈ તથા તેઓની ટીમ દ્વારા આજની તારીખે ત્યાં બે હજાર જેટલા ગૌવંશો જેમાં અકસ્માતમાં ગાયો, આંખે ન દેખાતું હોય તેવી ગાયો, શારીરિક અશક્ત ગાયો, બીમાર ગાયો વિગેરેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે તેની સાથોસાથ ૨૦૦ જેટલા દિવ્યાંગ કે પછી બીમાર લોકોનો પણ ખૂબ સારી રીતે નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે વર્તમાન સામયમાં મોરબીમાં જ્યારે હરવા ફરવા માટેનું કોઈ સ્થળ નથી ત્યારે મોરબીના લોકોને સહ પરિવાર હરવા ફરવા માટે જવું હોય તો યદુનંદન ગૌશાળા સૌથી બેસ્ટ વિકલ્પ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે ગૌ સેવાના ભાવ સાથે ત્યાં કરવામાં આવતી કામગીરી અને બાળકો સહિતના લોકોના આનંદ પ્રમોદ માટેની જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેની જોડ ન માત્ર મોરબી પરંતુ સૌરાષ્ટ્રમાં ક્યાંય મળી શકે તેમ નથી