માળીયા(મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના બે અલગ અલગ કારખાના આવેલ હોય જે કારખાનામાં જવા-આવવા માટે એક જ રસ્તો હોય જે રસ્તામાં બે કારખાનેદાર પૈકી એક કારખાનેદારે ડીઆરએલ મુજબ માપણી કરી સ્વખર્ચે રસ્તો બનાવ્યો હોય જેથી આ રસ્તે ચાલવા બાબતે બંને કારખાનેદાર વચ્ચે વાગડીયા ઝાંપા નજીક આવેલ દુકાનની બાજુમાં બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામે લાકડી, લોખંડના પાઇપ જેવા હથિયારો વડે મારામારી થઈ હોય ત્યારે બંને પક્ષના સભ્યોને નાની મોટી ઇજાઓ થઈ હતી. હાલ બંને પક્ષોએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવા કાર્યવાહી શરૂ કરી છે.
પ્રથમ પક્ષે નોંધાવેલ ફરિયાદ મુજબ માળીયા(મી)ની તાલુકા શાળા સામે રહેતા નીઝામુદ્દીન સાઉદીનભાઈ સામતાણી ઉવ.૪૭ માળીયા(મી)પોલીસ સમક્ષ આરોપીઓ સુભાન ખમીશાભાઈ માણેક, રફીકભાઈ ખમીશાભાઈ માણેક તથા સરફરાજ રફીકભાઈ માણેક રહે. બધા-માળીયા(મી) અલીફ મસ્જીદ પાસેવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી નીઝામુદ્દીન ગુલાબડી વિસ્તારમાં પોતાના કારખાને જવા આવવા માટે ડી.આર.એલ માપણી બાદ સ્વખર્ચે રસ્તો બનાવેલ હોય અને આ કામના આરોપી જે રસ્તે ચાલતા હોય જેથી ફરીયાદી આ કામના આરોપીઓને રસ્તે નહી ચાલવા બાબતે ગત તા. ૧૪/૦૯ના રોજ સાંજના વાગડીયા ઝાપાથી થોડે દુર માળીયા જામનગર હાઈવે ઉપર રોડની સાઈડમા સઈદુ વલીમામદભાઈની દુકાને સમજાવવા જતા ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ફરીયાદીને માથામા તથા શરીરે માર મારી મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે માળીયા(મી)માં અલીફ મસ્જિદ પાસે રહેતા સરફરાજભાઇ રફીકભાઇ માણેક ઉવ.૨૭ એ આરોપી નીજામભાઈ સાઊદીનભાઈ સામતાણી રહે- માળીયા મીં. તાલુકા શાળા પાસેવાળા વિરુદ્ધ ફરિયાદ જાહેર કરી કે ફરીયાદી સરફરાઝભાઈ તથા આરોપી નીજામભાઈના મીઠાના કારખાના ધરાવે છે ત્યારે બંનેના કારખાના બાજુ-બાજુમાં આવેલ હોય અને ચાલવા માટે રસ્તો એક જ છે ત્યારે આ રસ્તામા નહી ચાલવા બાબતનો ખાર રાખી આરોપીએ નીજામભાઈએ ફરીયાદી સરફરાજભાઈને લાકડી વડે મુંઢમાર મારી મુંઢ ઈજાઓ કરી ફરીયાદીને ગાળો આપી હતી.
હાલ માળીયા(મી)પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી બંને પક્ષના કુલ ૪ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.