માળીયા(મી)ના સરકારી હોસ્પિટલ પાછળ વાડી વિસ્તારમાં રહેતા પરિવાર ઉપર માથાભારે પિતા-પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં બનેવીને કુટુંબી ભત્રીજા સાથે જમીન બાબતે મનદુઃખ ચાલતું હોય તેનો ખાર રાખી આરોપીઓ કાર અને મોટર સાયકલમાં ધારીયા તથા છરી જેવા ઘાતક હથિયાર ધારણ કરીને ભોગ બનનાર પરિવારના ઘરે આવી ફળીયામાં ઉભેલી કારમાં નુકસાની કરી હતી, આ સાથે પરિવારના બે સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને આરોપીઓ ચાલ્યા ગયા હતા, સમગ્ર બનાવ બાબતે પરિવારના મહિલા સભ્ય દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા(મી) સરકારી હોસ્પિટલ પાછળ દેસરભાઈ મોવરની વાડીમાં રહેતા સમીરાબેન અકબરભાઈ કાસમભાઈ મોવર ઉવ.૩૪ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી યુસુફ ઉર્ફે ચીટર કાદરભાઈ જેડા અને સાહિલ યુસુફ જેડા બન્ને રહે.માળીયા(મી) વાડા વિસ્તારવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી સમીરાબેનના પતિ તથા કાકાજી ગફારભાઈને જમીન બાબતે મનદુઃખ ચાલતુ હોય ત્યારે આ બાબતનો ખાર રાખી ગફરભાઈના સાળા આરોપી યુસુફ ઉર્ફે ચીટર તથા આરોપી સાહિલ થાર ગાડી તથા મોટરસાઇકલમા હાથમા ધારીયા તથા છરી જેવા હથીયારો સાથે ફરિયાદી સમીરાબેનના રહેણાંકે આવી સમીરાબેનના સસરા અને દીયરને ગાળો આપવા લાગ્યા હતા અને તેઓની સાથે ઝપાઝપી કરી સામાન્ય ઇજા પહોંચાડી હતી. ઉપરાંત ઘરના ફળીયામાં પડેલ બ્રેજા કારમા તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામા એકબીજાની મદદગારી કરી બન્ને આરોપી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા, જે મુજબની ફરિયાદને આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.