બોટાદમાં થયેલા કથિત લઠ્ઠકાંડ બાદ ગુજરાતમાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે તેના થોડા સમય બાદ આ દેશી દારૂના અડ્ડા ફરી શરૂ થઇ ચૂક્યા છે. જેમાં સીરામીક નગરી મોરબીનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે માળીયા મીં. પોલીસની ટીમે માળીયા મી તાલુકાના હરીપર ગામ પાસે મચ્છુ નદીના કાઠે ધમધમતી મહીલા દ્વારા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસની ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયા મી તાલુકાના હરીપર ગામ પાસે મચ્છુ નદીના કાઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે એક મહીલા દ્વારા ચલાવવામાં આવે છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી ૫૦ લીટર ગરમ આથો તથા ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલમાં રહેલ ઠંડા આથો, દેશી દારૂ ભરેલ ૧ કેન તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ મળી કુલ કિ.રૂ.૭૪૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન માળીયા મી.નાં હરીપર ખાતે રહેતી જેતુનબેન ફતેમામદભાઇ કટીયા નામની આરોપી મહીલાની અટકાયત કરવામાં આવી હતી.