બાઇક સ્લીપ થતા રોડ ઉપર પડી ગયેલા સગીર બાઇક ચાલક ઉપર પાછળ આવતું બાઇક ફરી વળ્યું
માળીયા(મી)ના કચ્છ-મોરબી હાઇવે ઉપર સગીર બાઇક ચાલકે પોતાના બાઇક ઉપર કાબુ ગુમાવતા બાઇક સ્લીપ મારી ગયું હતું જેથી બાઇક ચાલક સગીર રોડ ઉપર પડી જતા પાછળ પુરઝડપે આવતું અન્ય બાઇક સગીર ઉપર ચડી ગયું હતું. જેમાં સગીર બાઇક ચાલકને ચહેરા તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે અકસ્માતની આ ઘટનામાં મૃતક સગીરના પિતા દ્વારા બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર મોરબી વીસીપરા સિસ્ટર બંગલો પાસે રહેતા ઇકબાલભાઈ અબ્બાસભાઈ શાહમદાર ઉવ.૩૬ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી બાઇક રજી.નં.જીજે-૩૬-એડી-૮૭૨૮ ના ચાલક જયેશભાઇ પંચાસરા રહે. લાલપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઇકબાલભાઈનો ૧૭ વર્ષીય પુત્ર સાહિલ ગત તા.૦૩/૧૦ના રોજ રાત્રીના બાઇક રજી.નં. જીજે-૩૬-એકે-૯૯૨૬ વાળું લઈને કચ્છ-મોરબી હાઇવે ઉપરથી પોતાના ઘરે પરત આવતો હોય તે દરમિયાન પરંપરા હોટલ પાસે સાહિલે પોતાના બાઇક ઉપર અચાનક કાબુ ગુમાવતા બાઇક રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી સાહિલ બાઇક સહિત હાઇવે રોડ ઉપર પડી જતા જે દરમિયાન પાછળ બાઇક ચાલક આરોપી જયેશભાઇ પંચાસરા પોતાનું બાઇક પુરગતિએ અને બેકાળજીપૂર્વક ચલાવીને આવી રોડ ઉપર પડી ગયેલા સાહિલને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં સાહિલને ચહેરા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ ઇકબાલભાઈની ફરિયાદને આધારે પોલીસે બાઇક ચાલક આરોપી જયેશભાઇ પંચાસરા સામે ગુનો નોંધી તેની અટક કરવા તજવીજ હાથ ધરી છે.