માળીયા તાલુકાના નવી હજીયાસર ગામના વતની પોતાના ગામના રિક્ષા વાળાની રીક્ષામાં બેસી સળીયાનું કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે હળવદ-માળીયા હાઈવે પર ટ્રકે પાછળથી રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેઓ રિક્ષામાંથી નીચે ફગોળાઈ જતા ટ્રકનું વ્હીલ તેમના બંને પગ ઉપર ફરી વળ્યું હતું. પગમાં ફ્રેક્ચર તથા ગંભીર ઈજાઓ થતા તેમને મોરબીની સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર અકસ્માતને પગકે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) તાલુકાના નવી હજીયાસર ગામના નિજામભાઈ જુસબભાઈ મોવર ઉવ.૨૯ ગઈ તા. ૨૩/૦૭ ના રોજ સવારે પોતાના ગામના સિકદરભાઈ જુસબભાઈ જગીયા અને સમીરભાઈ જુસબભાઈ જગીયા સાથે સિકદરભાઈની રિક્ષા રજી. નં. જીજે-૨૭-યુ-૪૮૭૫ માં સળીયા કામ કરવા અણીયારી ચોકડી ગયા હતા. જ્યાં સાંજે કામ પૂરું કરી ત્રણેય જણા રિક્ષામાં ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે સાંજે લગભગ ૬:૩૦ વાગ્યે હળવદ-માળીયા હાઈવે પર કિષ્ના હોટલ નજીકથી પસાર થતા એક ટ્રક રજી. નં. જીજે-૩૨-વી-૯૯૯૩એ પાછળથી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા નિજામભાઈ રિક્ષામાંથી ફગોળાઈ રોડ પર પડ્યા અને ટ્રકનું વ્હીલ તેમના બંને પગ ઉપર ફરી વળ્યું હતું. અકસ્માતમાં તેમને માથાના પાછળના ભાગે તથા બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થળ પર હાજર લોકોએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી.
નિજામભાઈને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તપાસ કરતાં તેમના ડાબા પગમાં ફ્રેક્ચર, જમણા પગમાં માસ નીકળી ગયું હોય જેવી ગંભીર ઇજાઓની સારવાર ચાલુ કરવામાં આવી હતી. હાલ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.