માળીયા(મી) હાઇવે રોડ ઉપર સુરજબારી ચેક પોસ્ટ નજીક આગળ જતી કારની પાછળ ટ્રક અથડાતા અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં ડમડમ હાલતમાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક ચલાવી આગળ જતી કારને ટક્કર મારતા કારમાં નુકસાની થઈ હતી, સદભાગ્યે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. ત્યારે અકસ્માતની ઘટના બાદ તુરંત કાર ચાલક દ્વારા પોલીસ એ જાણ કરતા, માળીયા(મી) પોલીસ ઘટના સ્થળે પહોંચી પીધેલી હાલતમાં રહેલ ટ્રક ચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ન્યુ જજીસ બંગલો રોડ ઉઓર અક્ષત આંગન ફ્લેટ એફ-૨૦૨માં રહેતા જીલભાઈ ચંદુભાઈ ઝાલાવાડિયા ઉવ.૩૪ નામના તબીબ ગત તા.૧૫/૦૩ ના રોજ પરિવાર સાથે કચ્છથી અમદાવાદ પોતાની મારુતિ કંપનીની ગ્રાંડ વિટારા કાર રજી.નં. જીજે-૧૮-ઈએ-૫૯૭૫ જતા હોય તે દરમિયાન રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ માળીયા(મી)ના સુરજબારી ચેક પોસ્ટ નજીક પાછળ આવતા ટ્રકના ચાલકે પોતાનો ટ્રક રજી નં. જીજે- ૧૨-બીટી-૦૧૪૭ પુરઝડપે ચલાવી આગળ જતી ડોક્ટરની કારને ટક્કર મારતા, ડોક્ટરની કાર આગળ જતી અન્ય કાર સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ડોક્ટરની કારમાં નુકસાની થઈ હોય જેથી તુરંત પોલીસને જાણ કરતા માળીયા(મી)પોલીસ સ્થળ ઉપર પહોચી હતી, ત્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક આરોપી રાજુભા હરિસિંહ વાઘેલા રહે.બાવરડા ગામ જી.પાટણ વાળો નશાની હાલતમાં હોય જેથી ડોકટર જીલભાઈની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.