મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ કડક પગલું ભરી માળીયા તાલુકા તરઘરી ગામના સરપંચની હથિયાર ધારા તથા સરવડ ગ્રામ પંચાયતના સરપંચને થોડા સમય પહેલા મારામારીના ગુન્હામાં સંડોવણી બદલ ગુજરાતપંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો. જેનો વિરોધ થતા ગાંધીનગરના અધિક વિકાસ કમિશ્નર દ્વારા સસ્પેન્ડેડ સરપંચને તેના હોદ્દા પર પુન: સ્થાપિત કરવા આદેશ અપાયો છે.
જિલ્લા પંચાયત કચેરી – મોરબી, પંચાયત શાખાના જણાવ્યા અનુસાર, માળીયા(મી.) તાલુકાની તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ – ૫૯ (૧) હેઠળ હોદ્દા પરથી મોકૂફ રાખવાનો જિલ્લા પંચાયત કચેરી – મોરબી દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમથી નારાજ થઈ સાગર ફુલતરીયા દ્વારા આ હુકમ વિરુદ્ધ અધિક વિકાસ કમિશ્નર, ગાંધીનગર સમક્ષ અપીલ અરજી કરવામાં આવી હતી. જેને લઇ અધિક વિકાસ કમિશ્નર દ્વારા આ કેસની ચકાસણી કરીને નવેસરથી નિર્ણય લેવા કેસ રીમાન્ડ(પરત) કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસની ચકાસણી કરીને જે આખરી નિર્ણય લેવાય તેને આધીન રહીને તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયાને પોતાના સરપંચનાં હોદ્દા પર પુન:સ્થાપિત કરવા હુકમ કરવામાં આવ્યો છે.