પોલીસે વિદેશી દારૂની કુલ ૪૦ બોટલ તથા બિયરના ૧૧ ટીન કબ્જે કર્યા
મોરબી બી ડિવિઝન તથા ટંકારા પોલીસે વિદેશી દારૂ અંગેના અલગ અલગ ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં બે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં તથા ટંકારા તાલુકાના હડમતીયા તેમજ મિતાણા ચોકડી નજીક રેઇડ કરી કુલ વિદેશી દારૂની ૪૦ બોટલ અને બિયરના ૧૧ ટીન કબ્જે કરવામાં આવ્યા હતા. જ્યારે કુલ પાંચ આરોપીઓ સને પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વીસીપરા સ્મશાન રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂ ઓફિસર ચોઇસ વ્હિસ્કીની ૭ બોટલ સાથે મકાન માલીક આરોપી ઇમરાન ઉર્ફે ઇરાન નુરમામદભાઇ મોવર ઉવ.૪૪ રહે.વીસીપરા સ્મશાન રોડ કુલીનગર ૧ વાળાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદેશી દારૂના બીજા દરોડામાં મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-૨ માં આવેલ શિવમ હોસ્પિટલ પાસે વેચાણ કરવાના હેતુસર રાખેલ બિયરના ૧૧ ટીન સાથે વેપારી મુકેશભાઇ જેરામભાઇ આંખજા ઉવ.૪૪ રહે-ઉમા ટાઉનશીપ હરી-૨ એપાર્ટમેંટ ૧૦૩ મોરબી-૨ વાળાને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે પકડાયેલ વેપારી આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી બિયરનો જથ્થો કોની પાસેથી મેળવ્યો તથા હજુ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કોણ કોણ આરોપી સંડોવાયેલ હોવા અંગેની વિગતો મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.
જ્યારે ત્રીજા દરોડામાં ટંકારા પોલીસ ટીમને બાતમી મળેલ કે તાલુકાના હડમતીયા ગામે પ્રવીણભાઈ અજાણા અને કાનાભાઈ અજાણા બંને ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેથી તુરંત હડમતીયા ગામે રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૨૫ બોટલ સાથે આરોપી પ્રવીણભાઇ સગરામભાઇ અજાણા ઉવ-૩૨ રહે. હડમતીયા ગામવાળો પકડાઈ ગયો હતો. જ્યારે પોલીસના દરોડા સમયે આરોપી કાનાભાઈ કરશનભાઇ અજાણા હાજર માલી ન આવતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.
આ ઉપરાંત ચોથા દરોડામાં ટંકારા પોલીસ મથક ટીમે પૂર્વ બાતમીને આધારે મિતાણા ચોકડી નજીક વોચમાં હોય તે દરમિયાન મૂળ છોટાઉદેપુરના રહેવાસી હાલ ટંકારા તાલુકાના હરીપર(ભુ) રહેતા શ્રમિક ભોવનસીંગભાઇ ઇશ્રામભાઇ રાઠવા ઉવ.૩૭ પાસેથી વિદેશી દારૂ ઓલ સિઝન વ્હિસ્કીની ૮ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.