અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જેને પગલે આજરોજ માળિયા મામલતદારે નવલખી બંદર આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, બિપરજોય નામના વાવાઝોડાંની શક્યતાને ધ્યાને લઈ મોરબી જિલ્લાના તમામ વિભાગો સાથે કલેકટર દ્વારા બેઠક યોજી હતી. વાવાઝોડાંની પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્રને સજ્જ કરાયું છે. વાવાઝોડું મોરબી જિલ્લાના જે વિસ્તારોમાં અસર કરી શકે છે તે વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. જેને લઈ આજરોજ માળિયા મામલતદાર ડી જે પંડ્યાની ટીમે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય અને દરિયાકાંઠે નુકશાન થાય તેવી સંભાવનાને ધ્યાને લઈને નવલખી બંદર આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને ગ્રામજનોને જરૂરી સુચના આપી હતી. ત્યારે મામલતદારે માળિયાના નવલખી બંદરે સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું હતું. અને વાવાઝોડાની અસર થાય તો ગ્રામજનોના સ્થળાંતર અંગેની તૈયારી પણ દર્શાવી હતી.