માળીયા(મી) પોલીસે તાલુકાના નવાગામમાં અલગ-અલગ સ્થળોએ દેશી દારૂ અંગે ત્રણ રેઇડ કરી કુલ ૨૩૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો જપ્ત કર્યો હતો. ત્રણેય દરોડામાં આરોપીઓ સ્થળ પર હાજર નહિ મળી આવતા તેઓને પોલીસે ફરાર જાહેર કરી, આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
માળીયા(મી) પોલીસે નવાગામ ગામમાં દેશી દારૂ બનાવવાના કાળા કારોબાર અંગેની મળેલ બાતમીને આધારે ત્રણ અલગ અલગ સ્થળે રેઇડ કરીને મોટી માત્રામાં ઠંડો આથો કબજે કર્યો હતો. પોલીસને વિવિધ સ્થળોથી મોટા બેરલોમાં ભરેલો દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો, પરંતુ ત્રણેય સ્થળોએ આરોપીઓ હાજર ન મળી આવતા ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
જે અંગેની પ્રથમ રેઇડમાં નવાગામના જેડાવાસ વિસ્તારમાં ખરાબા વાળી જગ્યામાંથી ૨૦૦ લીટરના ક્ષમતાનાં ૫ બેરલમાંથી આશરે ૧૦૦૦ લીટર આથો, કિંમત રૂ. ૨૫,૦૦૦ જપ્ત કર્યો હતો. આ કેસમાં અનવરભાઈ હાજીભાઈ જેડા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે બીજી રેઇડ સ્મશાન પાસે બાવળની કાંટમાં કરવામાં આવી હતી, જ્યાંથી નાના-મોટા ૭ બેરલમાં ભરેલો આશરે ૮૦૦ લીટર આથો, કિંમત રૂ.૨૦ હજારબમળી આવ્યો. આ કેસમાં તાજમામદભાઈ રહીમભાઈ માલાણી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કર્યો છે. આ ઉપરાંત ત્રીજી રેઇડ પણ નવાગામના સ્મશાન બાજુના બાવળના ઝાડોમાં કરવામાં આવી હતી, જ્યાંથી ૫-બેરલમાંથી ૫૫૦ લીટર આથો, કિંમત રૂ.૧૩,૭૫૦/- મળી આવ્યો હતો. આ કેસમાં ગફુરભાઈ ઇશાભાઈ જામ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સાથે ત્રણેય દરોડામાં હાજર નહીં મળી આવેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









