માળીયા(મી)- કચ્છ નેશનલ હાઇવે ઉપર બાઇકમાં ડબલ સવારી નીકળેલ બે મિત્રો હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ સામે પહોંચ્યા ત્યારે કોઈ કારણોસર બાઈક ઉપર કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ટ્રકનું તોતિંગ વ્હીલ બાઈક ચાલક ઉપર ફરી વળ્યુ હતું. જે બનાવમાં બાઈક ચાલકને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જાંબુડીયા ગામમાં ધર્મભૂમિમાં રહેતા સુરેશભાઇ વાલજીભાઇ પડાયા ઉવ.૩૬ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. જીજે-૧૨-એઝેડ-૫૯૫૬ ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરેશભાઇ તથા તેમનો મીત્ર સંજયભાઇ તા. ૨૩/૦૬ના સાંજના ૬ વાગ્યા આસપાસ બાઈક રજી.નં. જીજે-૩૬-એજી-૧૧૩૮ વાળુ લઇને માળીયા(મી) થી મોરબી આવતા હોય ત્યારે માળીયા(મી)- કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર ઓનેસ્ટ હોટલની સામે સુરેશ પેટ્રોલીયમની બાજુમા કચ્છ થી મોરબી જતા રોડ પર કોઈ કારણોસર સંજયભાઇએ બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઇ ગયું હતું ત્યારે પાછળથી આવતા ટ્રકના ચાલકે પુરઝડપે બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવતા બાઈક ચાલક સંજયભાઇના શરીરે ટ્રકનુ ટાયર ફરી ગયું હતું. જે અકસ્માતના બનાવમાં બાઈક ચાલક સંજયભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ટ્રક ચાલક આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.