માળીયા(મી)માં જુના ઝઘડાનું મનદુઃખ રાખી યુવકને ત્રણ શખ્સો દ્વારા ઢીકા પાટુ તેમજ લાકડા ધોકા વડે માર મારતા તેને સારવાર અર્થે પ્રથમ માળીયા(મી) સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં હાથમાં ફ્રેકચર તથા શરીરે મૂંઢ ઇજાની સારવાર લીધી હતી ત્યારે ભોગ બનનાર યુવકે પોલીસ સમક્ષ ત્રણ શખ્સો સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર માળીયા(મી)માં વિશાળ હોટલ પાછળ રહેતા સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયા ઉવ.૩૨ વાળાએ હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આજથી ત્રણ મહિના અગાઉ ઘરે આવવા જેવી બાબતે આરોપી મોસીનભાઈ ઉર્ફે ડિકો સંધવાણી સાથે ઝઘડો થયો હતો જેનો ખાર રાખી ગઈકાલ તા.૧૯/૧૦ના રોજ સુલ્તાનભાઈ માળીયા(મી) ના ત્રણ રસ્તા પાસે આવેલ એચ.પી. પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપી મોસીનભાઈ તેના બે મિત્ર આરોપી સાજીદભાઈ જેડા તથા જાવેદભાઈ જેડા સાથે આવી કહેવા લાગેલ કે ત્રણ મહિના પહેલા મારી સાથે કેમ ઝઘડો કર્યો હતો અને મને કેમ ગાળો આપી હતી તેમ જણાવી આરોપી મોસીન સાથે આવેલ બંને શખ્સોએ સુલ્તાનભાઈને પકડી રાખ્યા હોય અને આરોપી મોસીન ઉર્ફે ટપુસ દ્વારા લાકડાના ધોકા વડે હસ્થમા અને પગમાં માર મારવામાં આવ્યો હતો , જે બાદ આરોપી સાજીદ અને જાવેદ દ્વારા ઢીકા પાટુનો માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. જે દરમિયાન સુલ્તાનભાઈ દ્વારા દેકારો કરતા આજુબાજુથી તેમજ તેનો પિતરાઈ ભાઈ ત્યાં આવી જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.
ત્યારે સુલ્તાનભાઈને પ્રથમ માળીયા(મી) સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. જ્યાં સુલ્તાનભાઈને હાથમાં ફ્રેચાર તેમજ શરીરે મૂંઢ મારની ઇજાઓની સારવાર લીધા બાદ પોલીસ સમક્ષ આરોપી મોસીન ઉર્ફે ડિકો સંધવાણી રહે નવાગામ માળીયા(મી), સાજીદભાઈ સાઉદીનભાઈ જેડા રહે.ખીરઈ તથા આરોપી જાવેદભાઈ હાજીભાઈ જેડા રહે.માળીયા સામે નામજોગ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .