હળવદ-માળીયા રોડ ઉપર અણીયારી ટોલનાકા પાસે બોલેરો પીકઅપમાં બે ભેંસોને દયનીય હાલતમાં ક્રૂરતાપૂર્વક બાંધી તેની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે બોલેરો ચાલક અને તેની સાથેના એક શખ્સ સહિત માળીયા(મી) પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ફરી છે
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના સુરવદર ગામના ઉકાભાઈ છેલાભાઈ ગોલતર તથા અન્ય સાથીઓ સાથે હળવદ-માળીયા રોડ પર અણીયારી ટોલનાકા નજીકના ધૈર્ય હોટેલ પાસે બેઠા હતા. તે સમયે એક સફેદ બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૭૬૮૯ શંકાસ્પદ હાલતમાં ઉભી રહી હતી. ત્યારે બોલેરોની તલાસી કરતાં અંદરથી બે ભેંસોને ક્રુરતા પૂર્વક ટુકા દોરડાથી બાંધેલી હાલતમાં તેમજ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા પણ રાખ્યા વગર જોવા મળી હતી
ત્યારે ગાડીના ડ્રાઈવર તાલબ મીયાભાઈ જત ઉવ.૨૯ રહે. લૈયારી તા. નખત્રાણા જી. કચ્છ તથા તેની બાજુમાં બેઠેલા રમજાન સફીમામદ જત ઉવ.૭૦ રહે. તલ તા. નખત્રાણા જી. કચ્છવાળા હોવાનું જાણવા મળ્યું. તેમની પાસે પશુની હેરાફેરી માટે જરૂરી પરમીટ કે પ્રમાણપત્ર ન મળતાં તેઓને ગાડી સાથે માળીયા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે બોલેરો પીકઅપ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- જ્યારે બે ભેંસોની કિ. રૂ.૨૦,૦૦૦/- સહિત કુલ રૂ. ૫.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને પશુઓને સાર સંભાળ માટે ખાખરેચી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે