મોરબી ક્રાઇમ બ્રાંચની કામગીરી: ટ્રક સહિત રૂ.૨૫.૯૩ લાખનો મુદામાલ કબજે, એક આરોપી પકડાયો, એક ફરાર
મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડને મળેલી ચોક્કસ માહિતીના આધારે માળીયા(મીં) વિસ્તારમાં ભીમસર ચોકડી પાસે ડમ્પરમાંથી પતરા અને તાલપત્રીની આડમાં છુપાવેલો વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૪૩૨૦ નંગ બોટલ અને બિયરના ૨૫૬૮ ટીન જેની કુલ કિ.રૂ.૧૦.૮૩ લાખનો જથ્થો કબજે કરાયો હતો. પોલીસે વિદેશી દારૂ અને બિયર, ટ્રક સહિત રૂ.૨૫.૯૩ લાખના મુદામાલ સાથે ડમ્પર ડ્રાઇવરને પકડી પાડ્યો હતો જ્યારે મુખ્ય આરોપી માલ મોકલનારનું નામ ખુલતા તેને ફરાર દર્શાવ્યો છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ અને પેરોલ-ફર્લો સ્કવોડને ખાનગીરાહે માહિતી મળી હતી કે હળવદ તરફથી માળીયા(મીં) તરફ એક ડમ્પર રજી.નં. જીજે-૩૬-વી-૫૦૦૩ આવી રહ્યું છે, જેમાં પતરા અને તાલપત્રીની આડમાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો છુપાવાયો છે. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે માળીયા(મી) ભીમસર ચોકડી નજીકના ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન ઉપરોક્ત ડમ્પર ત્યાંથી પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા તેમાં પતરા અને તાલપત્રીની આડમાં વિદેશી દારૂની ૮પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની કુલ ૪૩૨૦ નંગ બોટલ કિ.રૂ. ૫,૧૮,૪૦૦/- તેમજ બે અલગ અલગ બ્રાંડના ૨૫૬૮ નંગ બિયર ટીન જેની કિ.રૂ.૫,૬૪,૯૬૦/- એમ મળી કુલ રૂ. ૧૦,૮૩,૩૬૦/-નો દારૂ તથા બીયરના જથ્થા સાથે આરોપી ટ્રક ચાલક ચુનીલાલ અમેદારામ હુડા રહે. ધુડાવા તા. ચોહટન થાના બાખાસર જીલ્લા બાડમેર (રાજસ્થાન)ની અટક કરી હતી. પકડાયેલ ટ્રક ચાલક આરોપીની પૂછતાછમાં માલ મોકલનાર આરોપી વિજય જેન્તીભાઈ પટેલ રહે. દેવળીયા તા. હળવદ વાળાના નામની કબુલાત આપતા, પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે ડમ્પર કિ.રૂ.૧૫ લાખ તેમજ બે મોબાઇલ કિ.રૂ.૨૦ હજાર સહિત રૂપિયા ૨૫,૯૩,૯૬૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી, મુખ્ય ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ કરી છે.