યુવતીને ભગાડી લગ્ન કરી લેનાર યુવકના પિતરાઈ ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું ફાયરિંગ.
માળીયા(મી)માં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ૮ મહિના પૂર્વે ગામનો યુવક ગામની જ યુવતીને ભગાડી જઈ લવગન કરી લીધા હતા, જે અંગેની જાણ થતા યુવતીના પિતા કારમાં આવી દીકરી ભગાડી જનારના પિતરાઈ ભાઈ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હોવા અંગે ભોગ બનનાર દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી) સરકારી હોસ્પિટલ પાસે રહેતા સલીમભાઈ દિલાવર ભાઈ જેડા ઉવ.૩૮ એ આરોપી વલીમહમદ નૂરમહમદ મોવર વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ફરીયાદીના સગા કાકાનો દીકરો સિકંદર રસુલ જેડા આરોપી વલીમહમદ નૂરમહમદ મોવરની દીકરીને આઠેક માસ પહેલા ભગાડીને લઇ જઇ લગ્ન કરેલ હોય તેનો ખાર રાખી ગઈ તા.૦૪/૦૮ ના રોજ સાંજના અરસામાં ફરિયાદી તેના ઘર પાસે આવેલ દરગાહ નજીક હોય ત્યારે આરોપી સ્વીફ્ટ ડીઝાયર ગાડી રજી.નં. જીજે-૦૧-કેએફ-૨૪૨૬ વાળીમાં આવી, આરોપીએ ફરીયાદી સલીમભાઈ જેડા ઉપર બંદૂક જેવા હથિયાર વડે મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હોવા અંગે અત્રેના માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ માળીયા પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.