કાર લઈને પાનના ગલ્લે આવેલ ત્રણ શખ્સોને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા વિવાદ વકર્યો
માળીયા(મી)ના કુંભારીયા ગામે રાત્રે સ્વીફ્ટ કારમાં પાનના ગલ્લે આવેલા ત્રણ શખ્સો કે જેઓ ગાળો બોલતા હોય જેથી પાનના ગલ્લાની બાજુમાં ઘર ધરાવતા યુવકે ત્રણેયને ટપારતા, એકદમ ઉશ્કેરાઈ ગયેલ શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય અને બીજા દિવસે અન્ય એક આરોપી દ્વારા ધારીયું લઈને ધમકી આપી કે પોલીસ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશ, ત્યારે હાલ ભોગ બનનાર યુવક દ્વારા માળીયા(મી)પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા(મી) ના કુંભરીયા ગામે રહેતા અરવિંદભાઈ હરખજીભાઈ પંચાસરા ઉવ.૩૨એ આરોપી નિલેશભાઈ રમેશભાઇ પરમાર, કિશનભાઈ કાનજીભાઈ હુંબલ, જશમતભાઈ કાળુભાઇ ઇંદરીયા તથા રમેશભાઈ દેવશીભાઇ પરમાર વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૩/૦૩ના રોજ રાત્રીના સમયે અરવિંદભાઈને ઘરની બાજુમાં આવેલ ગણપતભાઈ ના પાનના ગલ્લે ઉપરોક્ત આરોપીઓ નિલેશભાઈ, કિશનભાઈ જશમતભાઈ એમ ત્રણેય એક સ્વીફ્ટ કાર લઈને સીગરેટ પીવા આવ્યા હોય ત્યારે બેફામ અપશબ્દો બોલી રહ્યા હોય જેથી ત્રણેય આરોપીઓને અપશબ્દો બોલવા અંગે ના પાડતા ત્રણેય જન ઉશ્કેરાઈ જઇ, કાર અરવિંદભાઈની નજીક લઈ જઈ ગાળો આપવા લાગતા દેકારો થતા તેમજ પાડોશીઓ ભેગા થઈ જતા ત્રણેય આરોપીઓ એકદમ કાર લઈને ભાગતી વેળા અરવિંદભાઈના દીકરા નક્ષના પગ ઉપર કારનું ટાયર ફેરવી દેતા નક્ષને સારવાર માટે ગામમાં તેમજ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રજા આપી દીધી હતી, જે બનાવને બીજે દિવસે સવારના આરોપી નિલેશભાઈના પિતા આરોપી રમેશભાઈ ગામના ઝાંપા નજીમ ધારીયું લઈને આંટા મારતા મારતા કહેતા હતા કે પોલીસ ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખીશ જેથી હાલ અરવિંદભાઈએ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, માળીયા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.