માળીયા(મી)માં રેલ્વે સ્ટેશન પાસે રહેતા યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટનામાં યુવકને માળીયા બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ બાબતે સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ક્રેટા કારમાં આવેલ ચાર શખ્સોએ યુવકને ધોકા તથા પાઈપથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. હાલ ઇજાગ્રસ્ત યુવક દ્વારા ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા(મી) રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઈ મોવર ઉવ.૨૫ એ માળીયા(મી) પોલીસ સમક્ષ આરોપી સોહીલ આદમભાઈ માલાણી, રમજાનભાઈ ઈબ્રાહીમભાઈ કટીયા બન્ને રહે. રેલ્વે સ્ટેશન પાસે માળીયા(મી) તથા આરોપી ઈમરાન અનવરભાઈ સંધવાણી, આરીફ અનવરભાઈ સંધવાણી બન્ને રહે. કોળીવાસ માળીયા(મી) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૪/૦૭ના રોજ ફરિયાદી એજાજભાઈ તેમના મિત્રો સાથે હોય તે દરમિયાન આરોપી સોહિલ માલાણી સાથે બોલાચાલી ઝઘડો થયો હતો, જે બાબતનો ખાર રાખી તા.૨૫/૦૭ના રોજ એજાજભાઈ તેમના ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપી સોહિલ તેની ક્રેટા કાર લઈને આવ્યો અને આગળ દિવસની બોલાચાલીનો ખાર રાખી ક્રેટા કારમાં સવાર અન્ય ત્રણ સહિત ચારેય આરોપીઓએ એજાજભાઈને લાકડાના ધોકા, પાઇપથી માર મારવા લાગ્યા હતા, જે બાદ દેકારો થતા ચારેય ઈસમો ક્રેટા કારમાં નાસી ગયા હતા, ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં એજાજભાઈને માળીયા બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. માળીયા(મી) પોલીસે ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.