માળીયા(મી) તાલુકાના ચીખલી ગામે અગાઉ દારૂનો કેસ થયા અંગે પોલીસને બાતમી આપ્યાની શંકાનો ખાર રાખી, એક મહિલા સહિત ચાર શખ્સોએ યુવક ઉપર હુમલો કર્યો હતો, આ હુમલામાં યુવકને માથામાં અને શરીરે ઇજાઓ પહોંચાડી તમામ આરોપીઓ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા, ત્યારે સમગ્ર ઘટના મામલે ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ સમક્ષ એક મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શેખરભાઇ ચંદુભાઇ નગવાડીયા ઉવ.૨૮ રહે.ચિખલી વાળાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી પ્રકાશભાઇ વાઘજીભાઇ દેગામા, નવઘણભાઇ વાઘજીભાઇ દેગામા, વાઘજીભાઇ નરશીભાઇ દેગામા તથા વસંતબેન વાઘજીભાઇ દેગામા રહે.બધા ચીખલી તા.માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં અગાઉ આરોપી પ્રકાશભાઇ વાઘજીભાઇ દેગામા વિરુદ્ધ દારૂના કેસમાં પોલીસને બાતમી આપી હતી, જેનો શક રાખી મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદી શેખરભાઈને ગાળો આપી, આરોપી પ્રકાશભાઈએ લાકડાનો ધોકો લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારે ફરિયાદીના મામી વચ્ચે પડતા ઢોકનો એક ઘા શેખરભાઈને માથામાં લાગ્યો હતો, અને અન્ય આરોપીઓએ શેખરભાઈને ઢીકા પાટુનો માર મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી શેખરભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.