માળીયા મી. પોલીસે ત્રણ રસ્તા નજીકથી પૂર્વ બાતમીના આધારે એક બોલેરો પિક-અપ વેનને અટકાવીને તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૧ પેટી મળી આવતા વેન ચાલક ડ્રાયવરની અટકાયત કરી છે ; જ્યારે ડ્રાયવરના મોબાઇલમાંથી મળેલા અન્ય નંબરને આધારે એક શખ્સની શોધખોળ ચાલુ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મી.ના પી.એસ.આઇ નિખિલ ડાભી અને તેની ટીમ પેટ્રોલીગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે ત્રણ રસ્તા નજીકથી એક કારમાં દારૂની હેરાફેરી થવાની છે. પોલીસ વોચમાં હતી એ દરમ્યાન એક બોલેરો કાર નંબર GJ -13 AW 62 શંકાસ્પદ હાલતમાં નીકળતા કાર રોકી તલાશી લેતા તેમાંથી 41 પેટી ભારતીય બનાવતનો વિદેશી દારૂ (493 બોટલ) જેની કિંમત રૂપિયા ૧.૪૭ લાખ અને બોલેરો કાર જેની કિંમત રૂપિયા ૧.૫૦ લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા 2 હજાર, આમ કુલ મળીને રૂપિયા 2,99,600ના મુદ્દામાલ સાથે શંભુ દેવજીભાઈ પાટડીયા રહે. દુધરેજ વાળાની અટકાયત કરી છે. ઉક્ત શખ્સની પ્રાથમિક પૂછપરછમાં એક મોબાઈલ નંબર વાળા શખ્સનું નામ ખુલતા તેને ઝડપવા પોલીસે કવાયત આદરી છે. અન્ય શખ્સ ઝડપાયા બાદ દારૂની હેરફેર અંગે વધુ વિગતો બહાર આવશે.