માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારે પોતાની રૂપિયા ૭૨.૮૯ લાખ જેવી જંગમ મિલકત છુપાવી ચૂંટણીપંચને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યાની ફરિયાદ ઉઠતા ચૂંટણી અધિકારી એ સરપંચના ઉમેદવારને નોટિસ ફટકારી છે.
ગ્રામ પંચાયતના ઉમેદવાર સુરવિરસિંહ ગિરીરાજસિંહ જાડેજાએ પોતાના ઉમેદવારી પત્રકમા ભાગ -૯ ના પેટા ભાગ – ક પ્રમાણે જંગમ મિલકતમાં ગંભીર માહિતી છુપાવી પોતાની મિલકત વર્ણનમાં પોતાના ખાતા નં -૬૦૩ ના સર્વે નં . ૨૪૩ પૈકી ૧ પૈકી ૩ હૈ. ૧-૧૮-૦૧ ચો.મી વાળી ખેતીની જમીન ૩૦/૦૯/૨૦૨૧ થી રૂપીયા ૭૨.૮૯.૯૫૦ મા વેચાણ કરી હતી. જે રકમ ચૂંટણી પંચના નિયમો મુજબ છુપાવવાનું કૃત્ય કર્યું છે. આ રકમનો ઉપયોગ ઉમેદવાર ચુંટણી માં મતદારોમાં લોભ લાલચ આપીને પોતાની તરફેણ માટે ઉપયોગ કરી રહ્યા હોવાની વધારવા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર અનિરૂધ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાએ તાલુકા ચુંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી હતી.
જે વાંધા અરજીને પગલે ચૂંટણી અધિકારીએ વાધરવા ગ્રામ પંચાયતના ઉમેદવાર સુરવિરસિંહ ગિરીરાજસિંહ જાડેજાને નોટિસ ફટકારી ઉમેદવારી ફોર્મ સાથેના જંગમ અસ્કયામતો ના એકરારમાં સાચી વિગતો દર્શાવવા આદેશ કર્યો છે જો વિગત દર્શાવવામાં ચુક થયે નિયમોનુસારની આગળની કાર્યવાહી કરવા ફરજ પડશે. તેમ નિટીસમાં જણાવાયું છે.