લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. રૂપાલા દ્વારા બે વખત માફી માગવામાં આવી છે. પરંતુ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે અને તેઓ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. જે વચ્ચે હવે માળીયા રાજ પરિવાર દ્વારા રૂપાલાનાં વિરોધમાં સમર્થન જાહેર કરતો પત્ર વાયરલ થઈ રહ્યો છે.
માળીયા રાજ પરિવાર ના વાયરલ પત્ર માં જણાવવામાં આવ્યું હતું કે,તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલાએ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને એક કાર્યક્રમમાં રાજા મહારાજાઓ ઉપર ખરાબ અને અવિવેકી ટિપ્પણી કરી જેનાથી માળીયા રાજ પરીવારનાં રાજવીરસિંહજી એસ જાડેજા તથા રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. જેથી માળીયા રાજ પરીવારે આ કૃત્યને વખોડી કાઢ્યું હતું અને આનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. તેમજ આ કૃત્ય માફીપાત્ર નથી સરકાર આ અંગે કડક પગલાં લઈ આગળ વધે તેવી માંગ પણ કરી હતી અને ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું હતું.