એલસીબી પોલીસ ટીમે પીપળીયા ચોકડી નજીકથી ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો, બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો.
માળીયા(મી)ના પીપળીયા ચોકડી નજીક ખાલી જગ્યામાં લાયસન્સ વગર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલને બાયોડીઝલના નામે ગેરકાયદેસર રીતે વેચતા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ટ્રક માલિકોને ખોટી માહિતી આપી ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહી વેચવાનું કૌભાંડ ઝડપાતા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.
માળીયા(મી)ના પીપળીયા ચોકડી નજીકથી બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો વેચાતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એલસીબી પીએસઆઇ બી.ડી. ભટ્ટ દ્વારા આરોપી ધર્મેશભાઈ ઉર્ફે હક્કાભાઈ બાબુભાઈ ચાવડા રહે. મોરબી શનાળા રોડ ખોડીયાર નગર મૂળરહે. કેરાળી ગામ તા.જી.મોરબી તથા વિરમભાઈ મઘાભાઈ ખાંભલીયા રહે. જોરવાડા ગામ ભાભર જી. બનાસકાંઠા વાળા વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, આરોપી ધર્મેશભાઈએ પોતાની પાસે લાયસન્સ વિના ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ટેન્કરમાં ભરી જાહેર જગ્યામાં વેચાણ માટે રાખ્યો હતો. જેના ચેસીસ નં. N 052 VZ 621895 અને એન્જીન નં. 31GVZ907777 વાળા ટેન્કરમાં તે જથ્થો ભરી અન્ય ટ્રક નં. જીજે-૧૮-એએક્સ-૫૨૦૬ અને જીજે-૨૩-એટી-૫૦૭૪ દ્વારા વેચાણ કરતો હતો. જેમાં આ ઉપરોક્ત આરોપીઓએ ખોટી માહિતી આપી ટ્રક માલિકોને બાયોડીઝલ તરીકે જ્વલનશીલ પ્રવાહી વેચાણ કર્યો, જેને કારણે જાહેર સુરક્ષા અને માનવીય જીંદગી જોખમમાં મુકાઈ હતી. ગઈ તા. ૦૬ ફેબ્રુઆરીના રોજ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન આરોપી વિરમભાઈ ખાંભલીયા સ્થળ ઉપરથી નાશી ગયો હતો. હાલ બન્ને આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમનની કલમો હેઠળ ગુનો નોંધાવી નાસી જનાર આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.