માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામની સીમમાં આવેલ પવનચક્કી નં. VM-65ના મેઇન દરવાજાનું તાળું તોડીને અજાણ્યા ચોરોએ અંદાજે ૫૦૦ મીટર જેટલો કોપર કેબલ વાયર કિ.રૂ.૨.૨૫ લાખની ચોરી કર્યાની ઘટના સામે આવતા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામની સીમમાં ઢુઇ તરફ આવેલ સુઝલોન કંપનીની પવનચક્કી નં. VM-૬૫માં ઇલેક્ટ્રિક કોપર કેબલ વાયર ચોરી થયાના બનાવ અંગે ફરીયાદી નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમાર ઉવ.૪૫ રહે. વવાણીયા જેઓ ઇગલ આઈ સિક્યુરિટીમાં ફરજ બજાવે છે, તેમણે માળીયા પોલીસને આપેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૬ ઓક્ટો.૨૦૨૫ના રોજ વહેલી સવારના ચાર વાગ્યે, ફરજ દરમિયાન સુરક્ષા ઇન્ચાર્જ યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ ફોન કરી જણાવ્યું કે વવાણીયા ગામની સર્વે નં. ૪૩ની સીમમાં આવેલ પવનચક્કી નં. VM-૬૫નો દરવાજો ખુલ્લો જોવા મળ્યો છે. જેથી નરેન્દ્રસિંહ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં પવનચક્કીનો મેઇન દરવાજાના તાળા તૂટેલ હતા અને અંદર ઇલેક્ટ્રિકના કોપર કેબલ વાયરો કાપી લઈ જવાયેલા હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે ૩૦૦ અને ૨૪૦ સ્ક્વેર એમ.એમ.ના કોપર કેબલ વાયરો આશરે ૫૦૦ મીટર જેટલા કિ.રૂ.૨,૨૫,૦૦૦/-, અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરાયેલા છે. પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.









