માળીયા(મી) પોલીસ ટીમને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા નવલખી રોડ ખાતે એક ટેમ્પોમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડકટની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે સુપર કેરી વાહન, ગેરકાયદેસર પેટ્રોલિયમ જથ્થો સહિત રૂ.૩.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચલાવી છે.
માળીયા(મી) વિસ્તારમાં નવલખી રોડ ઉપર વર્ષામેડી જુમ્મા વાડી ફાટક પાસે ગેરકાયદેસર રીતે પેટ્રોલીયમ પ્રોડકટની હેરાફેરી અને વેચાણ થતું હોવાની ખાનગી બાતમીના આધારે માળીયા(મી)પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શંકાસ્પદ રીતે એક સુઝુકી સુપર કેરી સી.એન.જી લોડીંગ ટેમ્પો રજી. નં. જીજે-૩૬-વી-૫૦૭૯ રોકી તેની તલાસી લેતા, ટેમ્પોમાંથી ૩૦ કેરબામાં અંદાજે ૧૮૦૦ લીટર શંકાસ્પદ પેટ્રોલીયમ જથ્થો મળી આવ્યો હતો. જેથી આરોપી ટેમ્પો ચાલક જયેશભાઇ ખાદાની અટક કરી હતી, પકડાયેલ ટેમ્પો ચાલકની સઘન પૂછતાછમાં આ જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઇ જઈ રહ્યો હોવાની કબૂલાત આપી હતી. આ સાથે પોલીસે ટેમ્પો ઉપરાંત પેટ્રોલીયમ જથ્થો કિં.રૂ.૧,૨૬,૦૦૦/-, ટેમ્પો વાહન કિં.રૂ.૨,૦૦,૦૦૦/- અને એક ઓપો કંપનીનો મોબાઇલ કિં.રૂ.૨૦૦૦, એમ કુલ રૂ.૩,૨૮,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી જયેશભાઇ ભગવાનજીભાઇ ખાદા ઉવ.૨૯ રહે.શનાળા બાયપાસ ઉમા રેસીડન્સી-ર ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર વાળી શેરી મોરબી મુળરહે. વવાળીયા ગામ તા.માળીયા(મી) વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.