માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે વાગડીયા ઝાંપા નજીક રોડ ઉપરથી ઇકો કારમાં વિદેશી દારૂની નાની-મોટી ૧૯૭ નંગ બોટલ ઝડપી લેવામાં આવી હતી, આ સાથે પોલીએ ઇકો કાર ચાલક સહિત બે આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે વિદેશી દારૂ કચ્છના ભચાઉ શહેરના બુટલેગર પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તે આરોપીને આ કેસમાં ફરાર દર્શાવ્યો છે. આ સાથે પોલીસે વિદેશી દારૂ, ઇકો કાર, એક મોબાઇલ સહિત કુલ રૂ.૨.૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે કચ્છમાંથી વિદેશી દારૂ ભરેલ ઇકો કાર પીપળીયા ચાર રસ્તા તરફ જવાની છે, જેથી માળીયા(મી) પોલીસ માળીયા(મી)ના વાગડીયા ઝાંપા નજીક રોડ ઉપર વોચ રાખી, વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમિયાન ઇકો કાર રજી.નં. જીજે-૦૮-બીબી-૭૧૩૦ ત્યાંથી પસાર થતા તેને રોકી, કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ ક્ષમતાની ૧૯૭ નંગ બોટલ કિ.રૂ.૭૬,૯૨૫/- મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક આરોપી કિશનભાઈ આયદાનભાઈ ખાદા ઉવ.૨૯ તથા આરોપી સાગર ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટા ઉવ.૨૯ બન્ને રહે. વવાણીયા તા.માળીયા(મી) વાળાની અટક કરવામાં આવી છે, પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો ભચાઉ કચ્છ વાળા આરોપી સાધુરામ પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂ, ઇકો કાર, મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૨,૦૧,૯૨૫/-નો મુદ્દામાલ કબ્જે લીધો છે.









