૩૦૦ વિઘા ખેતીનું વાવેતર નિષ્ફળ જતા ખેડૂતને અંદાજે રૂ. ૮૪ લાખની આર્થિક નુકસાની આવી.
માળીયા(મી) તાલુકાના નવાગામ ગામે ખેડૂતને નકલી બી.ટી. કપાસનું બિયારણ વેચાણથી આપી ખેડૂતની ૩૦૦ વિઘા જમીનમાં કરેલ કપાસના વાવેતરમાં ૮૪ લાખની આર્થિક નુકસાની આવ્યા અંગે નકલી બિયારણ આપી જનાર બોટાદના વતની વિરુદ્ધ ખેડૂતે ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, મૂળ માળીયા(મી) ના નવાગામના વતની હાલ વિરાટ ટાવર સરદારનગર-૧ છાત્રાલય રોડ મોરબી રહેતા ખેડૂત નવીનભાઈ ચતુરભાઈ ધુમલીયાએ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી અમરાભાઈ સગરામભાઈ રબારી રહે. કુંડલી જી.બોટાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત વર્ષ તા.૦૬ મે ૨૦૨૪ ના રોજ ઉપરોક્ત આરોપી નવાગામ આવ્યા હતા અને તેની પાસે બી ટી કપાસનું સર્ટિફાઇડ બિયારણ છે, તેમ વાત કરી ફરિયાદીને વિશ્વાસમાં લેતા, ફરિયાદીએ ૩૮૧ થેલી બી.ટી. કપાસના બીયારણની રૂ.૧,૩૩,૩૫૦/-માં ખરીદી કરવામાં આવી હતી. અમરાભાઇએ વિશ્વાસ આપ્યો હતો કે ઉપજ ખરાબ રહી તો રૂપિયા પાછા આપશે. જે બી ટી કપાસનું વાવેતર કર્યા બાદ પાકનો વિકાસ ન થતાં નિષ્ણાતોની સલાહથી ખાતર તથા દવા છાંટ્યા છતાં કપાસના છોડ એકથી સવા ફૂટ જેટલાં ઊંચા રહ્યા. બીજી તરફ ગયા વર્ષે બચેલા બીજ વાવેલ તેમાંથી ૫ થી ૫.૫ ફૂટના વિકાસ સાથે પૂરતી ઉપજ મળી. ત્યારે સ્પષ્ટ થયું કે આરોપી અમરાભાઈ દ્વારા આપવામાં આવેલ બીયારણ નકલી અને બોગસ હતું. ત્યારે ૩૦૦ વિઘા ખેતીમાં વાવેતર બગડતા ફરિયાદીને કુલ રૂ.૮૪ લાખ જેટલી આર્થિક નુકસાની થઈ હતી. હાલ માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.