મોરબી-કચ્છ હાઈવે ઉપર માળીયા(મી) દેવ સોલ્ટ નજીક ટ્રક ચાલકે કોઈપણ જાતના સિગ્નલ કે આડશ રાખ્યા વગર હાઇવે ઉપર ટ્રક ઉભો રાખી દેતા મોડીરાત્રીએ લીંબડી ડેપોની એસટી બસ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઇવર, કંડકટર તથા ત્રણ જેટલા મુસાફરોને ઈજાઓ થતા માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અકસ્માતના બનાવ અંગે મળતી વિગતો મુજબ, મોરબી-કચ્છ હાઇવે ઉપર માળીયા(મી) નજીક દેવ સોલ્ટ કારખાનાની સામે જીજે-૧૨-બીએક્સ-૩૮૪૩ નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક કોઈપણ જાતના સિગ્નલ કે આડશ રાખ્યા વગર રોડ ઉપર ઉભો રાખ્યો હોય ત્યારે તા.૦૨/૧૦ ની મોડી રાત્રીએ લીંબડી ડેપોની નારાયણ સરોવર-અમદાવાદ રૂટની એસટી બસ ટ્રકના પાછળના ભાગે અથડાઈ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ચાલક જયેશકુમાર રામજીભાઈ સિંધવ ઉવ.૪૨ રહે. વઢવાણ તા.જી.સુરેન્દ્રનગર તેમજ કંડક્ટર ભાગીરથસિંહ દશરથસિંહ ઝાલા સહિત અન્ય ત્રણ જેટલા મુસાફરોને નજીવી ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતના બનાવ અંગે એસટી બદન ચાલક જયેશકુમાર સિંધવએ માળીયા(મી) પોલીસ મથકમાં ઉપરોક્ત ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.