વેગડવાવ ગામના શ્રીહરિ શોપિંગ મોલમાં ત્રિપુટી દ્વારા દંપતી અને તેમના દિયર પર હુમલો કરવામાં આવ્યો.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ શ્રીહરિ શોપિંગ મોલ ખાતે હાજર દંપતી સહિત ત્રણ ઉપર મહિલાના પતિ સાથે થયેલા જુના ઝઘડાનો ખાર રાખી વેગડવાવ ગામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકાથી તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, હાલ મહિલા દ્વારા ટ્રાબેય આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે ગઈ તા.૦૫/૧૨ના રાત્રે દસ વાગ્યે શ્રીહરિ શોપિંગ મોલમાં ફરિયાદી હંસાબેન રણછોડભાઈ ચાવડા અને તેમના પતિ રણછોડભાઈ તથા દિયર અશ્વિનભાઈ શોપિંગ મોલમાં હાજર હતા. તે દરમિયાન ગામના વિપુલ કરણાભાઈ સુરેલા, સંજય કરણાભાઈ સુરેલા અને રાજદિપસિંહ ઉર્ફે ભુરો છોટુભા ઝાલા હંસાબેનના પતિ સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ત્રણેય શખ્સો શોપિંગ મોલમાં ઘુસી આવી વિપુલ અને સંજયે હંસાબેનના પતિ રણછોડભાઈનો શર્ટ પકડીને મારઝુડ શરૂ કરી, ગાળો બોલી સંજયે લાકડાનો ધોકો ઉગામી અન્ય શખ્સ દ્વારા હંસાબેનને લાફા મારવામાં આવ્યા. આ દરમિયાન હંસાબેનના દિયર અશ્વીનભાઈ વચ્ચે પડતા તેમને ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો, જેનાથી તેઓ નીચે પડી ગયા અને મુંઢ ઇજાઓ પહોંચી હતી, જે દરમિયાન દેકારો થતા આજુબાજુથી હંસાબેનના જેઠ સહિતના સાગા વ્હાલા ત્યાં આવી જતા ત્રણેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સ્થળ ઉપરથી ભાગી ગયા હતા.
જેથી ભોગ બનનાર હંસાબેન ચાવડાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિપુલ કરણાભાઈ સુરેલા, સંજય કરણાભાઈ સુરેલા અને રાજદિપસિંહ ઉર્ફે ભુરો છોટુભા ઝાલા રહે. વેગડવાવ ગામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.