મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસેથી મૂળ યુપી રાજ્યના એક ઇસમને દેશી હાથ બનાવટી કટા (હથિયાર) તથા એક જીવતા કારતૂસ સાથે તાલુકા પોલીસ ટીમે પકડી લઈ તેના પાસેથી હથિયાર તથા કારતૂસનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ હથિયારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ ટીમના એએસઆઇ સબળસિંહ વાઘુભા સોલંકી તથા હેડ કોન્સ. મહાવીરસિંહ અનીરૂધ્ધસિંહ પરમારને મળેલ ખાનગી બાતમીને આધારે પોલીસ ટીમ સાથે મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ અપના બજાર પાસે પહોંચતા એક ઇસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા તુરત જ તેને પકડી લઈ તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી એક દેશી હાથ બનાવટનુ હથિયાર તેમજ એક કારતૂસ મળી આવ્યો હતો. જેથી આરોપી અરુણકુમાર રામશંકર નીશાદ ઉવ-૨૨ રહે.મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે દુકાન નંબર ૩૭ અપના બજારમાં મુળગામ-બડીઆ દૌરાહટ બાંગર જી.કાનપુર(યુ.પી)વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી દેશી હાથ બનાવટનું હથિયાર તથા કારતૂસ જેની કુલ કિ.રૂ.૧૦,૧૦૦/-ના મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથક માં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.