હળવદ નગરપાલિકામાં પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે નોકરી કરતા શખ્સ ઉપર મોટર સાયકલ પાર્કિંગ કરવાના વિવાદનો ખાર રાખી પાડોશી યુવકે લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ભોગ બનનારને હાથમાં ફ્રેક્ચર તથા ગાલ ઉપર ગંભીર ઈજા થઈ હતી.
હળવદમાં નાડોદાવાસ પાણીની બારી પાસે રહેતા વિષ્ણુભાઈ ખીમશંકર જોષી ઉવ.૫૮ ગત તા. ૦૧/૦૯ ના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ઊભા હતા. આ દરમ્યાન સામેના ઘરે જન્મદિવસની ઉજવણી ચાલતી હતી અને ત્યાં પાડોશી કરણભાઈ નવીનભાઈ ચાવડા પોતાનું મોટરસાયકલ પાર્ક કરી ગયા હતા. તે જગ્યાએ ફોરવ્હીલર વાહન પસાર થવામાં મુશ્કેલી પડતાં વિષ્ણુભાઈએ ગાડી ચાલકને કહ્યું હતું કે, મોટરસાયકલ ખસેડીને આગળ જતા રહો, આ દરમિયાન આરોપી કરણભાઈએ વિષ્ણુભાઈ સાથે બોલાચાલી કરી હતી. જે બાદ રાત્રે જ્યારે વિષ્ણુભાઈ દરબાર નાકા પાસે ગયા ત્યારે આરોપી કરણભાઈએ લોખંડના પાઇપ વડે વિષ્ણુભાઈ ઉપર હુમલો કર્યો હતો. આરોપીએ કહ્યું કે, “ શેરીમાં કેમ હવા કરતો હતો” એમ કહી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈને વિષ્ણુભાઈને લોખંડના પાઇપ વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. ત્યારે આજુબાજુથી લોકો ભેગા થઈ જતા આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી ચાલ્યો ગયો હતો, જ્યારે બીજીબાજુ વિષ્ણુભાઈને તેમના ભત્રીજા તથા મિત્ર દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વિષ્ણુભાઈને હાથમાં ફ્રેક્ચર તથા ગાલ ઉપર મુંઢ ઈજાની સારવાર સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ સમક્ષ આરોપી કરણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.