વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે ગાયોની ગાડીઓ અંગે માહિતી આપવાનો આક્ષેપ કરી બે ઈસમોએ એક પ્રૌઢ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં પ્રૌઢને ગંભીર ઈજા થતા તેઓને વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે હુમલાનો ગંભીર બનાવ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી જયેશભાઈ માનાભાઈ સિંધવ રહે. ચંદ્રપુર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તા.૦૫/૧૨ના રોજ ફરિયાદીના ભાઈ રામાભાઈ માનાભાઈ સિંધવ ઘરે આવેલા ત્યારે આરોપી ફિરદોશ મુનાફભાઈ ખલીફા અને તેનો ભાઈ ફૈઝલ મુનાફભાઈ ખલીફા, બંને રહે. ચંદ્રપુર હાથમાં લોખંડના પાઈપ લઈને તેમના ઘરે આવ્યા હતા. તેઓ કહેવા લાગ્યા કે “તુ અમારી ગાયોની ગાડીઓની માહિતી કેમ આપે છે?” જેના પર રામાભાઈએ પોતે મજૂરી કામ કરે છે અને કોઈ માહિતી આપતો ન હોવાનો જવાબ આપ્યો હતો. આથી ઉશ્કેરાઈ ગયેલ બંને આરોપીઓએ રામાભાઈ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં રામાભાઈ નીચે પડી ગયા હતા. આજુબાજુના લોકો ભેગા થતા બંને આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યા અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત રામાભાઈને પ્રથમ સારવાર માટે વાજબેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા, હાલ સમગ્ર બનાવ અંગે સીટી પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









