ગુજરાતમાં એક વ્યક્તિએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને તેમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.
ગાંધીનગર: તાજેતરમાં ઉત્તરાખંડની સૃષ્ટિ ગોસ્વામી નામાની એક વિદ્યાર્થિનીને એક દિવસ માટે રાજ્યની મુખ્યમંત્રી બનાવવામાં આવી હતી. 24 જાન્યુઆરીએ બાલિકા દિવસ પર સૃષ્ટિ એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બની હતી. આ દરમિયાન વિધાનસભામાં બાળ વિધાનસભાનું પણ આયોજન કરાયું હતું. બીજી તરફ ગુજરાતમાં એક વ્યક્તિએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને ફોન કરીને તેમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ વ્યક્તિએ નીતિનભાઈ પટેલને આ માટે સીએમ વિજય રૂપાણીને વાત કરીને તેમની મંજૂરી લેવાની વિનંતી પણ કરી હતી.
‘મને એક દિવસનો મુખ્યમંત્રી બનાવો’
આ મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં એક અજાણી વ્યક્તિ પોતે લાલજીભાઈ તરીકે પોતાની ઓળખ આપે છે. જેઓ ફોન પર કહે છે કે, “હું ધોલેરા તાલુકાના હેબતપુર ગામથી લાલજી બોલું છું. મારા ગામની વસ્તી 10-12 હજારની છે. ઉત્તરખંડમાં જેમ આપણે સૃષ્ટિ ગોસ્વામીને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવી, એ રીતે મારે ગુજરાતમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે.” વ્યક્તિની આવી વાત સાંભળીને નીતિન પટેલ એવો જવાબ આપે છે કે, “તમે મુખ્યમંત્રી બનો. અમને કોઈ વાંધો નથી.” નીતિન પટેલના આવા જવાબ બાદ ફોન કરનાર વ્યક્તિ એવું કહે છે કે, આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મંજૂરી જરૂરી છે. વિજય રૂપાણી કહે તો હું બની શકું. જવાબમાં નીતિન પટેલ હસતાં હસતાં સારું સારું એમ કહે છે. જે બાદમાં વ્યક્તિ આગળ કહે છે કે, અમે ખૂબ સારું કામ કરીશું. સામે નીતિન પટેલ જ્યારે એવું કહે છે કે, મુખ્યમંત્રી બન્યા વગર પણ કામ થઈ શકે ત્યારે વ્યક્તિ કહે છે કે, જ્યાં સુધી સત્તા હાથમાં ન હોય ત્યાં સુધી કામ ન થાય. આ વાત સાંભળીને નીતિન પટેલ તેમને શુભેચ્છા પાઠવે છે. જે બાદમાં વ્યક્તિ કહે છે કે, “તમે સાહેબને વાત કરજો કે હેબતપુર ગામથી લાલજીભાઈએ આવો નવો વિચાર આપ્યો છે. તમે વાત કરજો એમને.”