આઈપીએલની શરૂઆત સાથે જ મોરબી શહેર – જિલ્લામાં ઓનલાઈન સટ્ટો રમતા-રમાડતા સટોડીયાઓની સીઝન આવી ગઈ છે. મોરબીમાં લાલપર ગામ પાસે પાનના ગલ્લે બેસી મોબાઈલ પર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો 1 ઈસમ ઝડપાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વાકાનેર નેશનલ હાઇવે લાલપર ગામ પાસે રાજલ પાન પાસે એક શખ્સ જાહેરમાં ઓનલાઇન જુગાર રમી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી અરવિંદભાઇ હેમજીભાઇ જોષી (રહે.લાલપર ગૌશાળા ગેઇટની અંદર તા.જી.મોરબી મુળ ગામ-વાવડી બ્રાહમણવાસ તા.વાવ જી.બનાસકાંઠા) નામના શખ્સને તાજેતરમાં ચાલતી ૨૦-૨૦ RCB & LSG વચ્ચેની કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રનફેર જુગાર રમતા પકડી પાડ્યો હતો. અને આરોપી પાસેથી રૂ.૫૦૦૦/-ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૩૦૦૦/- મળી કુલ કી.રૂ.૮૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે પોલીસે તેને સઘન પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, તેણે નયનભાઇ બ્રાહમણ (રહે.ખરડોલ તા.વાવ જી.બનાસકાંઠા) પાસેથી LUISA777.COM નામનુ આઇ.ડી. મેળવ્યું હતું. જેને લઈ એલ.સી.બી. પોલીસે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.