કેબિન ચેક કરશો તો માણસો ભેગા કરી પોલીસ સ્ટાફને એટ્રોસિટી કેસમાં ફિટ કરી દેવાની ધમકી.
ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક જાહેર રસ્તા કાંઠે લોખંડની કેબિનમાં ગેરકાયદેસર દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો છે. રેઇડ દરમિયાન દેશી દારૂ, મોબાઇલ ફોન સહિત રૂ. ૬૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિ. કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીએ પોલીસની કાર્યવાહી અટકાવી પોલીસ ટીમને એટ્રોસિટી કેસમાં ફિટ કરાવી દેવાની ધમકીઓ આપી હતી.
ટંકારા તાલુકાના લજાઈ ગામથી હડમતીયા તરફ જતા ડામર રોડ ઉપર પોલીપેક કારખાનાની સામે આવેલી કેબિન પાસે ગેરકાયદેસર રીતે દેશી દારૂ વેચાણ થતું હોવાની માહિતીના આધારે પોલીસે રેઇડ કરી હતી. આ દરમિયાન આરોપી અમૃતભાઈ આલાભાઈ ચાવડા ઉવ.૩૬ રહે. ગામ લજાઈ તા. ટંકારા વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની હવાલાવાળી લોખંડની કેબિનમાંથી પ્લાસ્ટિકના બાચકામાં દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૪૦ કિ.રૂ. ૮૦૦/- વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હતો. આ સાથે આરોપી પાસેથી વિવો વી-૧૯ મોબાઇલ ફોન કિ.રૂ.૫ હજાર મળી આવતા કુલ રૂ. ૬૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
વધુમાં રેઇડ દરમિયાન આરોપીએ પોલીસની કાયદેસરની કાર્યવાહી અટકાવવાના પ્રયાસરૂપે ઊંચા અવાજે બોલી, પોલીસ સ્ટાફના કર્મચારીઓને એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પોલીસ તપાસ અને કાર્યવાહીમાં અડચણ ઊભી કરી હોવાનું પણ નોંધાયું છે. ત્યારે આ સમગ્ર બનાવ અંગે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ટંકારા પોલીસે આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.









