ગત તા.૧૧/૦૧/૨૦૨૧ ના રોજ ટંકારાના મીતાણાની શિવ પેલેસ હોટેલ પાસે યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર જયદીપ બશીયાને ટંકારા કોર્ટ દ્વારા ચાર વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ આરોપીએ ફરિયાદીને માનસીક ત્રાસ તથા શારીરિક કષ્ટ આપવા બદલ વળતર પેટે રૂ.ત્રીસ હજારનો દંડ અને ૬૦ દિવસમાં ચૂકવવામાં નિષ્ફળ થાય તો ત્રણ માસની વધુ સજાનો પણ હુકમ ફરમાવવામાં આવ્યો છે.
ટંકારના મિતાણા ગામના જયદીપ બાબુભાઇ બસીયાએ પ્રભુનગર (મિતાણા)ના મહેશભાઇ ગણેશભાઈ ભાગિયાને ગત તા.૧૧/૦૧/૨૦૨૧ ના રોજ મિતાણા ગામ પાસે આવેલ શિવ પેલેસ હોટેલે હતો ત્યારે જયદીપના ભાઈએ આરોપી પાસેથી દસ લાખ રૂપિયા લઈ ક્યાક ચાલ્યો ગયેલ હોય જેથી આરોપીએ તે રકમ ફરિયાદી પાસે માંગતા ફરીયાદીએ આરોપીને પોતાના નાના ભાઈ પાસેથી લેવાનું જણાવતા આરોપી જયદીપ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને માર મારી ગાળો આપી ધમકીઓ આપી હતી. પરંતુ ફરિયાદીએ ત્યારે ફરિયાદ કરી ન હતી બાદ અવાર-નવાર ફરિયાદીને આરોપીએ ફોનમાં પૈસા આપવા ધમકાવતા હોય તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પૈસા માંગતા આરોપી જયદીપથી કંટાળી ફરીયાદીએ જેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે ફરિયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તપાશ પૂર્ણ થતાં આરોપી વિરુદ્ધ ટંકારની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે કેસમાં ફરિયાદ પક્ષનો કેસ નિઃશંક પણે પુરવાર થતો હોવાનું માની આરોપી જયદીપને ઈ.પી.કો. કલમ ૩૨૩ મુજબના ગુનામાં એક વર્ષની તથા ઈ.પી.કો. કલમ ૫૦૬(૨) મુજબના ગુનામાં ત્રણ વર્ષની એમ કુલ ચાર વર્ષની સજા ઉપરાંત આરોપીએ ફરિયાદીને માનસીક ત્રાસ તથા શારીરિક કષ્ટ બદલ વળતરની રકમ રૂ.ત્રીસ હજાર ચૂકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ ટંકારાની અદાલતે ફેરવ્યો છે. આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. એસ.ડી.સોલંકી તથા એન.વાય.વાઘજીયાણી અને મૂળ ફરિયાદી મહેશભાઈ ગણેશભાઈ ભાગીયા વતી સલાહકાર તરીકે એડવોકેટ પાર્થ સંઘાણી, મંથન વિરડીયા, તથા મદદમાં કેયુર સંઘાણી, રોકાયેલ હતા.