માનવતાની સેવા માટે એક પ્રેરણાદાયક અને પ્રશંસનીય ઉદાહરણ રૂપે મોરબીના મહેન્દ્રનગરના મનોજભાઈ કાવરે આજે 100મી વખત રક્તદાન કરીને એક અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. દરેક વ્યક્તિ પણ વિના ખર્ચ, કોઈ પણ શારીરિક નુકશાન વિના, નિઃસ્વાર્થ માનવીય સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે છે.
મોરબીના મહેન્દ્રનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મનોજભાઈ કાવરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી પ્રખંડ દ્વારા હુતાત્મા દિન નિમિત્તે આયોજિત રકતદાન શિબિરમાં ૧૦૦મી વખત રક્તદાન કર્યું છે. તેઓ લોક સંદેશ આપતા જણાવ્યું છે કે, આ ઉપલબ્ધિ માત્ર દયાભાવ અને માનવતા દર્શાવતી નથી, પરંતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપે છે. દરેક સ્વસ્થ વ્યક્તિ દર ૩ મહિને કોઈ પણ આડઅસર વિના નિયમિત રક્તદાન કરી શકે છે.
મનોજભાઈ દેવશીભાઈ કાવર વિશ્વ હિંદુ પરિષદના મોરબી માળિયા તાલુકા અધ્યક્ષ, ભારત વિકાસ પરિષદમાં પણ પર્યાવરણ સંયોજક તરીકે દાયિત્વ વહન કરે છે. તથા મહેન્દ્રનગર RSS ના બાલ્યકાળથી સ્વયંસેવક છે. છેલ્લા અનેક વર્ષોથી અનેક સંસ્થા તથા હોસ્પિટલો દ્વારા આયોજિત રક્તદાન શિબિરોમાં નિયમિતપણે ભાગ લઈ અસંખ્ય જીવ બચાવવામાં સહયોગ આપી રહ્યા છે. 100મી વાર રક્તદાન કરવું એક દુર્લભ અને પ્રશંસનીય કાર્ય છે, જે તેમની નિષ્કપટ સેવા અને સમાજ પ્રત્યેના સમર્પણનું પ્રતિબિંબ છે. મનોજભાઈના આ અવિરત અને નિઃસ્વાર્થ માનવીય સેવાનાકાર્ય માટે ચોમેરથી અભિનંદન પાઠવવામાં આવે છે અને આ કાર્ય માટે તેમને તેમના મિત્રો તથા સગા સંબંધી અને અનેક સેવાભાવી સંસ્થા દ્વારા ખૂબ વધાઈ પાઠવવામાં આવી છે.









