ટાઉન પ્લાનિંગ શાખાની કડક કાર્યવાહી, ગેરકાયદેસર બાંધકામો સીલ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં મંજુરી વગર અને નિયમ વિરુદ્ધ ચાલી રહેલા બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ નોટિસ આપ્યા છતાં બાંધકામ ચાલુ રાખનારના બાંધકામોને મહાનગરપાલિકાએ સીલ કરી દીધા છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસ માટે ગેરકાયદેસર બાંધકામ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મંજુરી વગર કે નિયમો વિરુદ્ધ ચાલી રહેલા બાંધકામોને અગાઉ જરૂરી નોટિસો પાઠવવામાં આવી હતી. છતાં પણ મહાનગરપાલિકાની સૂચનાઓની અવગણના કરી બાંધકામ કાર્ય ચાલુ રાખ્યું હતું. નિયમોનું પાલન ન થતું હોવાનું ધ્યાને લેતા મહાનગરપાલિકાએ કાયદા મુજબ કડક પગલાં લઈ આવા ગેરકાયદેસર બાંધકામોને સીલ કરવાની કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મંજુરી વગર અથવા નિયમો વિરુદ્ધ કોઈપણ પ્રકારનું બાંધકામ કરનાર સામે ભવિષ્યમાં પણ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે બાંધકામ શરૂ કરતા પૂર્વે જરૂરી તમામ મંજુરી મેળવવી અનિવાર્ય છે અને શહેરના સુઆયોજિત વિકાસમાં સહયોગ આપવો નાગરિકોની સામૂહિક જવાબદારી છે.









