મોરબી મનપાની ફાયર શાખાએ શાળામાં ૧૫ વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શન તાલીમ આપી, કોમ્પ્લેક્ષ અને સમાજવાડીમાં ફાયર સેફ્ટીની ચકાસણી.
મોરબી ત્રાજપર ચોકડી નજીક આવેલી જી.કે. હોટલ ખાતે આગ લાગી હોવાની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવી મોકડ્રીલ મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા યોજાઈ હતી. જેમાં ફાયર ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી પ્રથમ માળે ફસાયેલા ગેસ્ટને સલામત બહાર કાઢ્યા હતા. બાદમાં આ સમગ્ર કાર્યવાહીને મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ ફાયર વિભાગ દ્વારા હોટલ સ્ટાફ અને શહેરીજનોને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન અને ઈમરજન્સી શાખા દ્વારા શહેરમાં આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ આપવા માટે મોકડ્રીલ યોજાઈ હતી. ત્રાજપર ચોકડી નજીક આવેલી જી.કે. હોટલના સંચાલક દ્વારા હોટલમાં આગ લાગવાની અને પ્રથમ માળે ગેસ્ટ ફસાઈ ગયા હોવાનો ઈમરજન્સી કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર ફાઈટીંગની કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે સાથે પ્રથમ માળે ફસાયેલા ગેસ્ટને રેસ્ક્યુ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા આ સમગ્ર કાર્યવાહી મોકડ્રીલ હોવાનું જાહેર કરતા હોટલ સ્ટાફ તેમજ હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલ બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા હોટલના સ્ટાફ તથા ત્યાં હાજર શહેરીજનોને ફાયર સેફ્ટી અંગે માહિતી અને તાલીમ આપવામાં આવી હતી. તેમજ કોઈપણ ઈમરજન્સી સમયે અગ્નિશમન શાખાનો સંપર્ક કરીને નાની મોટી દુર્ઘટના કે આપદા કેવી રીતે નિવારી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ આકસ્મિક ઘટના સમયે કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો અને લોકોને સુરક્ષા પ્રત્યે જાગૃત બનાવવાનો હતો.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા તા.૨૪ ફેબ્રુઆરી થી ૨ માર્ચ ૨૦૨૬ દરમિયાન એક શાળામાં ૧૫ વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રિવેન્શન અભિયાન અંતર્ગત સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફાયર એનઓસી ન ધરાવતા બિલ્ડિંગોને નોટીસ આપીને જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. અગાઉ આપેલી નોટીસના પગલે ૧૮૯ કોમ્પ્લેક્ષ અને ૩૮ સમાજવાડીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે અથવા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ફાયર સેફ્ટી મંજૂરી માટે આવેલી બે અરજીઓને આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગને ૪ રેસ્ક્યુ કોલ અને ૨ આગ લાગવાના બનાવો અંગે કોલ મળ્યા હતા. આવી કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનો આધુનિક પીપીઈ સાધનો સાથે કામગીરી બજાવતા હોવાનું જણાવાયું છે. કોઈપણ આપત્તિ અથવા આગ લાગવાની ઘટનામાં નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના ફોન નં. (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અને ૧૧૨ પર સંપર્ક કરી શકે છે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.









