મોરબી : વર્તમાન પરિસ્થિતિમાં વાતાવરણ એકદમ પલ્ટો આવ્યો છે અને હમણાંથી રોજ માવઠાનું થાય છે. આ કમોસમી વરસાદથી લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે તેમ છે. આથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા જીવન રક્ષા અભિયાન અંતર્ગત શ્રમજીવી વિસ્તારોમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં મેડિકલ ટીમ દ્વારા શ્રમજીવી લોકોનું સ્વાસ્થ્ય ચેક કરવામાં આવ્યું હતું.
હાલના વાતાવરણને કારણે લોકોના સ્વાસ્થ્યમા અસર જોવા મળી છે.આથી વાઇરલ ફ્લું તેમજ તાવ શરદી જેવી બીમારીઓ જોવા મળતી હોય એ અનુસંધાને મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા જીવન રક્ષા અભિયાન અંતર્ગત ઝૂંપડપટ્ટી અને શ્રમજીવી વિસ્તારોમાં જરૂરી મેડિકલ સારવાર, દવાઓ અને મેડિકલ રિપોર્ટ સહિતના કેમ્પનું વિવિધ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમા જીવન રક્ષા અભિયાન અંતર્ગત ૯૦૦ થી વધુ શ્રમજીવી લોકો તેમજ બાળકોને જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવી હતી. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો.દેવેનભાઇ રબારીએ જણાવ્યું હતું કે, મોરબી શહેર વિસ્તારમાં રહેતા વંચિત અને શ્રમજીવી લોકોને યોગ્ય સારવાર મળી રહે તેમજ માંદગીના લીધે મજુર વર્ગના લોકો અને હાલાકી ન પડે તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરેલું હતું. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સમયાંતરે મેગા મેડિકલ કેમ્પોનું આયોજન કરીને લોકોને યોગ્ય સારવાર મળી રહે તેવા આયોજન થતાં રહેતા હોય છે. સાથે સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં અમૃતમ હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે જેમાં નિઃશુલ્ક સારવાર કરવામાં આવી રહી છે.